છૂટથી આલિંગન આપતા રહો, સ્ટ્રેસ ઘટશે, પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ફાયદો થશે

જો તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હો અને તમને કોઈ હગ કરે, એટલે કે આલિંગન આપે તો ચિંતા અને સ્ટ્રેસ ઓછો થાય છે. આ બાબતે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં ખબર પડી હતી કે આ પ્રકારની ઘટના મહિલાઓ સાથે વધુ થાય છે. 76 લોકો પર કરવામાં આવેલાં રિસર્ચ પરથી કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે કોઈ મહિલાને ગળે લગાવો છો ત્યારે તે વ્યક્તિમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું ઓછું ઉત્પાદન થાય છે, પરંતુ તમે કોઈ પુરુષને ગળે લગાવો છો ત્યારે કોઈ ફેરફાર નથી થતો

યાદશક્તિ માટે ચિંતા ઓછી કરવી જરૂરી
આ રિસર્ચ અમેરિકાની એરિઝોના યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. સંશોધકોના મતે, કોર્ટિસોલ યાદશક્તિ પર પણ અસર કરી શકે છે, જે તણાવપૂર્ણ કાર્યને વધુ મુશ્કેલ બનાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમથી હગ કરે છે ત્યારે ઓક્સિટોસિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. એ કોર્ટિસોલની અસર ઘટાડે છે.

આ પહેલાં 2018માં આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ નેગેટિવ ઘટના બાદ જો તમને કોઈ અંગત વ્યક્તિ પ્રેમથી હગ કરે છે તો સારું લાગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિને હગ કરતાં પહેલાં એ જાણો કે તે વ્યક્તિને હગની જરૂર છે કે નહિ, કારણ કે હગ કરવાથી સામેવાળાની મનોસ્થિતિ વિશે ખબર પડી શકે છે. આ અભ્યાસનાં પરિણામ નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

પુરુષોને હગ કરવાથી કોર્ટિસોલ ઓછું નથી થતું?
રિસર્ચ મુજબ, આ પાછળનું સામાજિક કારણ પણ હોઇ શકે છે. ઘણા પુરુષોને ગળે લગાવવાથી સારો અનુભવ નથી થતો, કારણ કે સામાજિક રીતે પુરુષો માટે અસામાન્ય અને વિચિત્ર માનવામાં આવે છે. તો બીજું કારણ કોઈ મહિલા અને પુરુષ વચ્ચે સ્પર્શ કરવાનું પણ હોઈ શકે છે.