રાજકોટમાં યોગા ટીચર સહિત 100 મહિલાઓની છેડતી કરનાર કૌશલ ભુજની ખાસ જેલ ખાતે સજા ભોગવશે

રાજકોટ શહેરમાં યોગા ટીચર સહિત 100 મહિલાઓની છેડતી કરનાર ગોલ્ડ મેડાલીસ્ટ યુવકની પાસા તળે અટકાયત કરવામાં આવી છે. છેડતીના ગુનામાં છૂટી બહાર આવેલ આરોપી કૌશલની રાજકોટ માલવિયાનગર પોલીસે અટકાયત કરી આરોપી કૌશલ પીપળીયાની પાસા તળે અટકાયત કરી ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી કૌશલ વિરુદ્ધ છેડતી ઉપરાંત ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો
રાજકોટ શહેરના અક્ષર માર્ગ પર યોગા ટીચર સાથે લિફ્ટની અંદર અત્યંત બિભત્સ હરકત કરીને મહિલાને માર માર્યાની ઘટનામાં પોલીસે કુસ્તીમાં ગોલ્ડ મેડાલિસ્ટ એવા 24 વર્ષીય કૌશલ રમેશભાઈ પીપળીયાની તેના દેવપરાના ઘેરથી જ ધરપકડ કરી હતી. જો કે છેડતીના ગુનામાં જામીન પર છુટકારો મેળવી જેલમાંથી બહાર આવેલ આરોપી કૌશલ પીપળીયા વિરુધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરી તેની અટકાયત કરી તેને ભુજ ખાસ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
મનોવિકૃત કૌશલે રેકી કરી હતી
વિકૃત યુવાન કૌશલ સામે ફરિયાદ નોંધાવવાની જે યોગા ટીચરે હિમત ઘખવી છે એ કાબિલે દાદ છે. યોગા ટીચરની જે બિલ્ડિંગમાં આરોપી કૌશલે છેડતી અને હુમલો કર્યો એ બિલ્ડીંગમાં યોગા ટીચરના આવવાના સમયે કેવી અવર જવર હોય છે એ જાણવા મનોવિકૃત કૌશલે બનાવના ત્રણ દિવસ પહેલાં રેકી કરી હતી. કોઇને શંકા ન જાય એ માટે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરા પોતા કરવાનું નાટક કરીને બિલ્ડીંગની ભૌગોલિક સ્થિતીનો ચિતાર કાઢ્યો હતો જેના પણ સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા.
એક શખસે બિભત્સ ચેષ્ટા કરી હતી
રાજ્ય કક્ષાના અવ્વલ નંબરના કુસ્તીબાજ કૌશલ પીપળીયા દેવપરા વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટીમાં વિશાખા ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહે છે એ એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં ટ્યુશન કલાસીસ ચાલે છે. આ ક્લાસીસમાં આવતી એક તરૂણી સાથે ચારેક મહિના પહેલાં એક શખસે બિભત્સ ચેષ્ટા કરી હતી, તરૂણીએ બૂમાબૂમ કરતા રહેવાસીઓ દોડી આવતા મોઢે માસ્ક પહેરેલો શખસ ધક્કા મારીને નાસી ગયો હતો. આબરુના કારણે જે તે સમયે ફરિયાદ નોંધાવાઇ ન હતી. પરંતુ એપાર્ટમેન્ટમાં જ રહેતા કૌશલના કરતૂત સામે આવતા તરૂણીની છેડતીમાં કૌશલની સંડોવણી હોવાની રહેવાસીઓને પ્રબળ શંકા વ્યક્ત કરી છે.