જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના ઘેડના ઈન્દ્રાણા, જોનપુર સહિતના અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સરકારે ઘેડ પંથકમાં નદી પહોળી અને ઉંડી ઉતારવા માટે પેકેજની જાહેરાત કરી છે પણ તેની કોઈ કામગીરી કરતી નથી. ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા હોય નુકસાનીનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે. કલેકટરે કહ્યું હતું કે, રસ્તાઓ ક્લિયર થતા જે તે વિભાગ ત્યાં પહોંચી સર્વે હાથ ધરશે.
ઝોનપુર, મઢડા સહિતના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં ઉભો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, જેનાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ પૂરને કારણે ઘેડ પંથકની હજારો વિઘા જમીનને ભારે નુકસાન થયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.