જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના
જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.
આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બુમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.