જન્મ-મરણનાં પોર્ટલમાં ગંભીર ખામી
રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કારણે વિભાગ અને નાગરિકો બંને હેરાન થઇ ગયા છે. જેમાં નવા પોર્ટલમાં સુધારા વધારા થતા નથી. અવારનવાર સર્વર ડાઉન થાય છે. ત્યારે હવે તો એક ગંભીર ભૂલ થયાનું સામે આવ્યું છે. જેમાં મૃતકના દાખલાની તારીખ 5-11-25ને બદલે 4-11-25 આવી હતી. એટલે કે જે દિવસે નાગરિક જીવિત હતા તે તારીખનો મરણનો દાખલો આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ આ ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવી સુધારો કરવા તજવીજ હાથ ધરી છે.
5 નવેમ્બરે મૃત્યુ થયું, ડેથ સર્ટિફિકેટ 4 નવેમ્બરનું ઈસ્યુ કરાયું પ્રાપ્ત વિગત મુજબ ગોહિલ મનીષભાઈ અમરાભાઈ નામના નાગરિકનું તા. 5-11-2025નાં રોજ અવસાન થયું હતું. જેને લઈને પરિવારે તેના મરણનો દાખલો લેવા કાર્યવાહી કરી હતી. ડોકટરના મૃત્યુના પ્રમાણપત્રમાં તા.05-11-25, સમય 3:00નો ઉલ્લેખ હતો. આ ડેટા પોર્ટલ પર ચડાવવામાં આવ્યો હતો. હવે અરજદારને જે દાખલો મળ્યો તેની પ્રિન્ટમાં મરણની તા. 4-11-25 અને સમય 3:00 વાગ્યાનો લખાઇને આવ્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવેલા મેસેજમાં તા.5-11-25નો ઉલ્લેખ હતો અને લીંક આપવામાં આવી હતી.
પરિવારજને જ્યારે આ બાબતે રજૂઆત કરી તો ટેક્નિકલ ભૂલ ગણાવવામાં આવી જોકે મરણનાં દાખલામાં 4-11-25 લખાઈને આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જે દિવસે નાગરિકનું અવસાન થયું તેના એક દિવસ અગાઉનો મરણનો દાખલો મળતા પરિવારને આંચકો લાગ્યો હતો. અને તુરંત રજુઆત કરતા પોર્ટલની ક્ષતિ હોવાનો જવાબ સ્ટાફે આપ્યો હતો. અને આ અંગે મનપા કચેરી ખાતે સંપર્ક કરવામાં આવતા આ ટેક્નિકલ એરર હોવાનું કહી અધિકારીઓએ સુધારો કરવા માટેની ખાતરી આપી આ માટેની પ્રક્રિયા શરૂ કરી છે.