ઇથોપિયામાં 12 હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો
ઇથોપિયામાં એક જ્વાળામુખી 12 હજાર વર્ષ પછી અચાનક રવિવારે ફાટી નીકળ્યો. આ વિસ્ફોટમાંથી નીકળતો ધુમાડો લગભગ 15 કિમી ઊંચાઈ સુધી પહોંચી ગયો અને લાલ સાગર પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયો.
આ વિસ્ફોટ અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીમાં થયો હતો. આ એટલો જૂનો અને શાંત જ્વાળામુખી હતો કે આજ સુધી તેનો કોઈ રેકોર્ડ નહોતો. આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ યમન અને ઓમાનની સરકારે લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે, ખાસ કરીને જેમને શ્વાસની તકલીફ હોય તેમને.
આકાશમાં ફેલાયેલી રાખને કારણે હવાઈ જહાજોને પણ મુશ્કેલી પડી રહી છે. ભારત ઉપર પણ રાખ આવવાની આશંકા છે, તેથી દિલ્હી-જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્વાળામુખી વિસ્ફોટને કારણે સોમવારે કોચી હવાઈમથકેથી ઉપડતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પ્રોટોકોલ હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે.