ઇશ્યૂમાંથી ₹655 કરોડ એકત્ર કરશે, ₹5 લાખનું સ્ટાર્ટઅપ આજે ટોચની 30 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં સામેલ
ડિસેમ્બરમાં એક બાદ એક નવા IPO આવી રહ્યાં છે. જેમાં અમદાવાદની ફાર્મા કંપની કોરોના રેમેડીઝ લિમિટેડનો ₹655 કરોડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO પલ્બિક સબસ્ક્રિપ્શન માટે આવતી કાલ એટલે કે 10 ડિસેમ્બરે બંધ થશે જ્યારે તેનું લિસ્ટીંગ 15 ડિસેમ્બરના રોજ થશે. કોરોના રેમેડીઝ લિમિટેડના IPOનું સબસ્ક્રિપ્શન 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ₹ 1008 થી રૂપિયા ₹ 1062 પ્રતિ શેરના પ્રાઈસ બેન્ડ સાથે ખુલ્લું રહેશે.
કોરોના રેમેડીઝ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO નીરવ મહેતાએ કંપનીની ₹5 લાખના સ્ટાર્ટ-અપથી રોકડ-ઉત્પાદક, ભારત-કેન્દ્રિત વ્યવસાય સુધીની સફરનો ટ્રેક કર્યો, જે હવે વૈશ્વિક બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે.
નીરવ મહેતાએ કંપનીના નામ વિશે જણાવતા કહ્યું કે, કંપનીનું નામ સૂર્યના કોરોનાથી પ્રેરિત છે, જે સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ છે. અમે સૂર્યના આધારે નામ પસંદ કરવા માંગતા હતા, પરંતુ આ નામની એક કંપની પહેલાથી જ અસ્તિત્વમાં હતી. તેથી અમે કોરોના નામને અંતિમ સ્વરૂપ આપ્યું. અમે 6 ડિસેમ્બર, 2004 ના રોજ માત્ર ₹5 લાખની મૂડી સાથે કોરોના રેમેડીઝ શરૂ કરી. આંતરિક ઉપાર્જન દ્વારા અમે વૃદ્ધિ કરવાનું શરૂ કર્યું અને 2013 માં અમે ₹100 કરોડની આવકને પાર કરી. 2016 માં જ્યારે આવક ₹200 કરોડને સ્પર્શી ગઈ, ત્યારે એક ખાનગી ઇક્વિટી ફર્મ ક્રિએડોરે કંપનીમાં 19.5 ટકા લઘુમતી હિસ્સો લીધો અને ₹100 કરોડનું રોકાણ કર્યું. ત્યારથી અમે પાછળ વળીને ક્યારેય જોયું નથી.