ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 પુરુષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાં હતાં.
મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.
જે ઇમારતમાં આગ લાગી હતી એ ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રિકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.
આગની શરૂઆત ઇમારતની પહેલા માળથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ એના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલદી જ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયરબ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.