યાર્ડમાં ખેડૂતો પાસેથી માત્ર રૂ.1થી 10માં કિલો ખરીદાય છે છતાં ગ્રાહકોને મળે છે રૂ.10થી 30માં !

શિયાળામાં ઠંડી હજુ શરૂ નથી થઈ પરંતુ, શિયાળું શાકભાજી શરૂ થઇ ગયા છે. યાર્ડમાં શાકભાજી માટે કુલ ત્રણ પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યાં છે. હાલ આ તમામ પ્લેટફોર્મ ભરાઈ જાય છે. છતાં શાકભાજીની આવક ચાલુ રહેતા પ્લેટફોર્મની બહાર ઉતારવાની નોબત પડી રહી છે. શાકભાજીની પુષ્કળની સામે લેવાલી નથી. ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા તેઓ શાકભાજી પ્લેટફોર્મમાં કે બહાર મુકીને જ ચાલ્યા જાય છે તો બીજી બાજુ આંતરરાજ્ય નિકાસ પણ ઘટી ગઈ હોવાથી યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઇ ગયો છે
જેથી માલનો નિકાલ કરવા માટે વેપારીઓ, દલાલો, ખેડૂતો ખૂદ નાણાં ખર્ચીને શાકભાજી ગૌશાળા, અનાથઆશ્રમ, સામાજિક સંસ્થામાં મોકલી આપે છે. હાલમાં શાકભાજીના સૌથી નીચા ભાવ ટમેટા, દૂધી, કોબિજ, રિંગણા અને ફલાવરના છે. મોટાભાગનું શાકભાજી રૂ.1થી લઈને રૂ. 10 લેખે ભાવ હરાજીમાં બોલાય છે. પરંતુ છૂટક માર્કટમાં શાકભાજીનો ભાવ રૂ. 10થી લઇને 30 સુધી વસૂલવામાં આવે છે. કેરટમાં 20થી લઈને 50 કિલો સુધીનું શાકભાજી ભરવામાં આવે છે. આખેઆખું શાકભાજી ભરેલું કેરેટ રૂ. 25 લેખે ઉધડક વેચી દેવામાં આવે છે તેમ શાકભાજી વિભાગના ઈન્સપેક્ટર કનુભાઈ ચાવડા જણાવે છે. અત્યારે શાકભાજીની વહેલી સવારે અને બપોરે 2 કલાક એમ બે વખત આવક થાય છે.
વધુ વાવેતર, અનુકૂળ વાતાવરણથી આવક વધી, ઠંડી વધતાં ઉત્પાદન ઘટશે
ખેડૂત ચંદુભાઈ બોઘરાના જણાવ્યાનુસાર આ વખતે વાવેતર વધારે છે અને અનુકૂળ વાતાવરણ છે તેથી ઉત્પાદન વધારે જોવા મળે છે, ગત વખતે સારા ભાવ મળતા ખેડૂતોએ શાકભાજીનું વાવેતર વધારે કર્યું છે. પરંતુ જો તાપમાન નીચું જાશે તો આગોતરું વાવેતર કરેલા શાકભાજીનુ ઉત્પાદન ઘટી જશે. ત્યારે આવક ઘટવાની પણ સંભાવના છે. જો કે હજુ ફેબ્રુઆરી સુધી સસ્તા ભાવનું શાકભાજી ખાવા મળશે. રાજકોટ યાર્ડ ગુજરાતનું એક માત્ર એવું યાર્ડ છે કે જ્યાં, આખા ગુજરાતમાંથી શાકભાજી આવે છે અને અહીંથી શાકભાજી ગુજરાત તેમજ રાજ્ય બહાર મોકલાય છે.
જો કે અત્યારે તમામ પ્રકારના શાકભાજીની આવક ચાલુ છે. શિયાળામાં લાલ મરચાની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. અહીં આવતા મરચા એમપી મોકલવામાં આવે છે.જો આ લાલ મરચા એમપી ના જાય તો તેનો ભાવ તરત ચાર ગણો ઘટી જાય છે. અત્યારે લાલ મરચાનો ભાવ રૂ. 5થી લઇને રૂ. 30 સુધી જોવા મળે છે. જ્યારે ઉનાળા અને ચોમાસામાં મોંઘા ભાવનું શાકભાજી ખરીદવું પડશે. માર્ચ મહિનાથી ફરી ભાવ ઉંચકાશે.