ત્રંબાની આયુર્વેદિક કોલેજની હોસ્ટેલમાં NSUI સાથે રામધૂન બોલાવી હલ્લાબોલ કર્યો

રાજકોટ નજીકના ત્રંબાની ગ્લોબલ આયુર્વેદિક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં નબળી ગુણવત્તાના અપાતા ભોજન અને તેમાંથી જીવજંતુ નિકળતા હોય વિદ્યાર્થિનીઓમાં ઉગ્ર ભભૂકી ઉઠ્યો છે. આ મામલે આજે એનએસયુઆઈ અને સંસ્થાની વિદ્યાર્થિનીઓએ કોલેજ પર હલ્લાબોલ કરી રામધૂન અને સુત્રોચ્ચાર કોલેજ મેનેજમેન્ટને ઉગ્ર રજુઆત કરી હતી.

96 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે
આ અંગે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે ગ્લોબલ આયુર્વેદિક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં અપાતા ભોજનની ગુણવતા અતિ નબળી છે. ભોજનમાં જીવજંતુ અને કાંકરા અવારનવાર નીકળી રહ્યા છે. આ મામલે કોલેજ મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં છેલ્લા 15 દિવસથી ભોજનની ગુણવત્તામાં કોઇ જ સુધારો આવેલ નથી. સંસ્થાની ગર્લ્સ હોસ્ટેલમાં 96 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે. વિદ્યાર્થિનીઓને ચાથી માંડીને બંને ટાઇમનું ભોજન અતિ નબળુ આપવામાં આવતું હોય છેલ્લા ત્રણ દિવસથી જમવાનું બંધ કર્યું છે.

એક વર્ષની ફી રૂા. 72,000 ભરી છે
વિદ્યાર્થિનીઓએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓ દ્વારા હોસ્ટેલની એક વર્ષની ફી રૂા. 72,000 ભરી છે. તેઓએ જ્યારે એડમિશન લીધું ત્યારે હોસ્ટેલના કાર્યકરો દ્વારા મીઠુ-મીઠુ બોલીને તેઓને ભોળવવામાં આવેલ હતા. પરંતુ ત્યારબાદ તેઓને જમવાનું પણ ખરાબ આપવામાં આવી રહ્યું છે. તેઓના ભોજનમાં મીડી-મંકોડાની સાથોસાથ વંદા-માખી અને ઇયળ પણ નીકળતા હોવાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી.

તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બાંહેધરી
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા રોહીતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આ સંસ્થાની વિદ્યાર્થિનીઓએ ભોજનમાં કીડી-મંકોડા નીકળી રહ્યા હોય છેલ્લા ત્રણ દિવસથી સંસ્થાની હોસ્ટેલનું ભોજન લેવાનું બંધ કરી બહારથી ભોજન મંગાવવા મજબૂર બને છે. આ બાબતે સંસ્થાનાં મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેથી NSUI અને વિદ્યાર્થિઓના હલ્લાબોલ બાદ સંસ્થાના મેનેજમેન્ટ હેડ દ્વારા તાત્કાલીક અસરથી રસોઇનો કોન્ટ્રાક્ટ બદલવા અને રસોડાની ચોખ્ખાઈ રાખવા બાબતે ખાતરી આપવામાં આવી હતી તેમજ હોસ્ટેલની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા પણ બાંહેધરી આપવામાં આવી હતી.