રાજકોટમાં NSUIએ 'પંચાયત મંત્રી રાજીનામું આપે'ના નારા લગાવી સુત્રોચાર કર્યા, ટીંગાટોળી સાથે અટકાયત

તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર ફૂટયાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વખત NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
નોંધનીય છે કે ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હતું. પરંતુ રાત્રે જ પેપર ફૂટી જતા 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઉઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા ઉમેદવારોને બસસ્ટેન્ડ સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું હતું.જેમ પોલીસે 15 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. આ ચકચારી બનાવમાં ઝડપાયેલા 15 આરોપીને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ તમામ આરોપીના તા.10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પેપર મેળવવા માટેનું કાવતરું રચવામાં આવ્યું
તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, 20 દિવસ પહેલા હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર આવેલી ચા-નાસ્તાની હોટલ નજીક પ્રેસમાંથી કોઇ પણ રીતે પેપર મેળવવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું. પ્રેસના કર્મચારી શ્રદ્ધાકર પાસેથી પેપર મેળવવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં કોઇ સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. એટીએસના પી.આઇ. જે.એમ. પટેલે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી અને તેમણે રજૂઆત કરી હતી કે આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસ જરૂરી છે.