રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20310 જ્યારે નવા વર્ષની શરૂઆતના એક માસમાં જ 531 કુપોષિત બાળકો નોંધાયા

રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20310 કુપોષિત બાળકો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર માસના અંત સુધીમાં જિલ્લામાં 3534 કુપોષિત બાળકો નોંધાયા છે.
રાજ્ય સરકાર, આઈસીડીએસ શાખા તેમજ આંગણવાડીના કર્મચારીઓ સહિત જુદી જુદી શાખાના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે પરંતુ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી. કુપોષણ બાળક ન જન્મે તે માટે બાળકની માતાએ સગર્ભાવસ્થા દરમિયાન જ યોગ્ય આહાર લેવાની કાળજી રાખવી પડતી હોય છે, પરંતુ ક્યાંકને ક્યાંક તેનો અભાવ જોવા મળતા કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.
ગુજરાતને દેશમાં સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે પરંતુ કમનસીબે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. તંદુરસ્ત બાળક માટે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ સમતોલ આહાર, આરામની કાળજી, આયર્ન ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીઓનું સેવન કરવું જોઈએ. બાળકોમાં પોષક તત્ત્વો અને લોહીની ખામીને કુપોષણની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. જ્યારે ઉંમર પ્રમાણે ઓછું વજન ધરાવતા બાળકને પણ કુપોષિત કહેવામાં આવે છે.
આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા હતા. જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ થયા હતા. જ્યારે વર્ષ 2023માં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં 3534 કુપોષિત બાળક નોંધાયા હતા. જિલ્લામાં સૌથી વધુ જેતપુર તાલુકામાં 825, જ્યારે જસદણમાં 444, કોટડાસાંગાણીમાં 408 કુપોષિત બાળકો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વીંછિયામાં 93 કુપોષિત નોંધાયા છે.
કુપોષણ ઘટાડવા કરાતો કરોડો રૂપિયાનો ખર્ચ
સરકાર દ્વારા કુપોષણ અટકાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થતો નથી. કુપોષિત બાળકો માટે સરકાર દ્વારા ટેક હોમ રાશન (પાઉડર) આપવામાં આવે છે. જ્યારે 6 માસથી 3 વર્ષના સામાન્ય બાળકોને 7 પેકેટ પાઉડર, 6 માસથી 3 વર્ષના અતિકુપોષિત બાળકોને 10 પેકેટ પાઉડર આપવામાં આવે છે. ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પ્રથમ વખતની સગર્ભા માતા અને પ્રથમ બાળક (2 વર્ષ સુધી) 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 કિલો ખાદ્યતેલ આપવામાં આવે છે.