ગુજરાતમાં 44,72,822 હે.માં વાવણી ઘઉં, ચણા, જુવાર, જીરૂં અને શેરડીનું વાવેતર ઘટ્યું

આ વર્ષની રવિ સીઝનમાં ગુજરાતભરમાં વાવેતરના આંકડા કૃષિ વિભાગે એકઠા કર્યા છે. જે માં ઘઉં, ચણા, જુવાર, જીરૂં, શેરડી, જેવી જણસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ડુંગળી, લસણ, બટેટા, શાકભાજી, સરસવ, તમાકુ, ધાણા, ઇસબગુલ, ઘાસચારાનાં વાવેતરમાં વધારો નોંધાયો છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના આંકડા વિભાગનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં રવિ સીઝનમાં ઘઉંનો વાવેતર વિસ્તાર સામાન્ય રીતે 13,01,051 હેક્ટર છે. તેની સામે આ મોસમમાં 12,65,933 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 79,074 હેક્ટર સામાન્ય કરતાં ઓછું થયું છે. જોકે, ગત રવિ સીઝન કરતાં આ વાવેતર 43,956 હેક્ટર વધુ છે. તો ચણાનો કુલ વાવેતર વિસ્તાર 7,75,278 હેક્ટર છે. તેને બદલે આ વખતે 7,64,518 એટલેકે, 10,760 હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યો છે.

ગત વર્ષે ચણાનું સામાન્ય કરતાં 3,26,067 હેક્ટર વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું એ રીતે સરખાવીએ તો પણ ચણાના વાવેતરમાં ગત વર્ષ કરતાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં તમામ જણસનો કુલ વાવેતર વિસ્તાર 44,75,142 હેક્ટર છે. એમાં 2,320 હેક્ટરનો ઘટાડો થયો છે. આ વર્ષે રવિ સીઝનમાં કુલ વાવેતર 44,72,822 હેક્ટર વિસ્તારમાં થયું છે.

ભાવમાં ફેરફાર માટે વરસાદ કારણભૂત
કોઇપણ જણસનાં વાવેતરમાં વધઘટ થવી એની પાછળ વાવેતરની પેટર્નમાં ફેરફાર, ભાવમાં વધઘટને લીધે ફેરફાર, તેમજ વરસાદમાં વધ-ઘટ કારણભૂત હોય છે. - ડો. મગનભાઇ ધાંધલીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક, જૂનાગઢ કૃષિ યુનિ.