મોંઘવારીના મોરચે મોટી રાહત, ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતાં નવેમ્બરમાં 11 મહિનાના તળિયે પહોંચી
મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબર 2022માં છૂટક મોંઘવારી 6.77 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 5.88 ટકા થઈ છે આ રીતે છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો આવતા ઈકોનોમીની ગાડી પણ સડસડાટ દોડશે અને લોકોને પણ રાહત મળશે.
શા માટે છૂટક મોંઘવારીમાં આવ્યો ઘટાડો
ખાદ્ય પદાર્થોના મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે છૂટક મોંઘવારી ઘટી છે. ઓક્ટોબરમાં શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી 6.53 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 3.69 થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 7.30 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 5.22 ટકા પર આવી ગઈ છે.
IIP માં ઘટાડો
એક તરફ નવેમ્બરમાં રિટેલ ફુગાવાના મોરચે રાહત મળી છે, તો બીજી તરફ ઓક્ટોબરમાં આઇઆઇપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને -4 ટકા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં માઇનિંગ ગ્રોથ 4.6 ટકાથી ઘટીને 2.5 ટકા થયો છે. તે જ સમયે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથને જોરદાર ઝટકો લાગ્યો છે, તે 1.8% થી ઘટીને -5.6% પર આવી ગયો છે. વીજળી ગ્રોથની વાત કરીએ તો તે 11.6 ટકાથી ઘટીને 1.2 ટકા પર આવ્યો છે.
રિટેલ ફુગાવો સરેરાશ 6.6 ટકા
આરબીઆઈની લેટેસ્ટ આગાહી મુજબ, રિટેલ ફુગાવો ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સરેરાશ 6.6 ટકા રહ્યો છે, જે આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં ઘટીને 5.9 ટકા અને એપ્રિલથી જૂન 2023માં 5 ટકા થઈ જશે.