સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

સાસુ અને વહૂ વચ્ચેનો ઝગડો સામાન્ય છે અને કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જ્યાં સાસુ-વહૂ વચ્ચે ઝગડા ન થતા હોય. સાસુ વહૂના ઝગડા પર દિલ્હીની એક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એક મહત્વના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, ઘરની અંદર સાસુ-વહુનો વિવાદ થવો સામાન્ય વાત છે. આ પડોશીઓ અને બહારના લોકો માટે શાંતિના ભંગ માટેનું કોઈ કારણ ન બની શકે. દિલ્હીની તીસ હજારી કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઇએમ) દ્વારા પુત્રવધૂ વિરુદ્ધ જારી કરવામાં આવેલી સીઆરપીસીની કલમ 107/111 રદ કરવાનો આદેશ આપ્યો હતો.
દર વખતે વહુ ખોટી હોય એવું ન બને
કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દર વખતે વહુ ખોટી હોય, તેની વાતો પણ સાચી હોય છે. આ કેસમાં પોલીસે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. ઘરેલું ઝઘડાઓને શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો આધાર ન બનાવવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલે વહુનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. તેમણે પુત્રવધૂને સીધી દોષી ઠેરવી દીધી છે.
શું હતો મામલો
અરજદાર વહૂએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની સાસુ સાથે 20 ડિસેમ્બર, 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને બોલાવી. પોલીસે પુત્રવધૂ સામે શાંતિ ભંગ બદલ ગુનો નોંધ્યો છે. મહિલાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઈએમે પુત્રવધૂને દોષિત ઠેરવી હતી અને છ મહિના માટે બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પુત્રવધૂએ એસઈએમના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસને શાંતિ ભંગના કેસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.