ઓલમ્પસ હોસ્પિટલની બેદરકારીથી વિદ્યાનગર રોડ પર વહ્યું માનવ રક્ત!

વિદ્યાનગર મેઈન રોડ પર અચાનક માનવ રક્ત વહેવા લાગતા રાહદારીઓ અને આસપાસના લોકોમાં હડકંપ ફેલાયો હતો ઘણા લોકોને ઊબકા આવવા લાગ્યા હતા. આ રક્ત ઓલમ્પસ હોસ્પિટલની બહારથી જ નીકળ્યું હતું અને તેની બાજુમાં જ ખાણીપીણીની દુકાનો હોવાથી તુરંત જ હોસ્પિટલને જાણ કરાતા હાઉસકીપિંગ સ્ટાફ તુરંત જ દોડી આવ્યો હતો અને સાફસફાઈ શરૂ કરી હતી.
ઓલમ્પસ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન જે માનવ રક્ત નીકળ્યું તે સીધું જ ડ્રેનેજમાં છોડી દેવાયું હતું આ દરમિયાન એકસાથે આવેલા થિજાયેલા રક્તના પ્રવાહને કારણે ઓલમ્પસ હોસ્પિટલની સેપ્ટિક ટેંકની પાસે આવેલી ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ ગઈ હતી તેથી તમામ રક્ત રોડ પર વહેવા લાગ્યું હતું.
આ મામલે હોસ્પિટલને જાણ કરાતા સાફસફાઈ હાથ ધરાઈ હતી પણ ત્યાં સુધીમાં આસપાસની ખાણીપીણીની દુકાનો સહિતના સ્થળોએથી લોકો રવાના થઈ ગયા હતા અને મહાનગરપાલિકાને ફરિયાદોનો ધોધ વહ્યો હતો. જોકે મહાનગરપાલિકા પહોંચે તે પહેલા જ હોસ્પિટલે રોડ પરથી રક્તની સાફસફાઈ ચાલુ કરી દીધી હતી. બીજી તરફ બાયો મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નિકાલ કરવાની પોલિસી બની છે તેમાં જે તંત્રને જવાબદારી સોંપાઈ છે તે જીપીસીબી હજુ આ મામલે આગળ આવ્યું નથી.