હિરોઇન બની તો ટોણા સાંભળ્યા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના દમ પર બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગના જોરે ઊંડી છાપ છોડી છે. ગ્લોબલ સ્ટાર તરીકે જાણીતી પ્રિયંકા આજે એક શ્રેષ્ઠ જીવનશૈલી જીવી રહી છે, પરંતુ તેની પાછળ તનતોડ મહેનત, દર્દ અને હિંમતની સાચી કહાણી છુપાયેલી છે. 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીત્યા પછી પણ પ્રિયંકાને બોલિવૂડમાં ઘણાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો. ક્યારેક તેના શ્યામ રંગની મજાક ઉડાવવામાં આવી, તો ક્યારેક તેને કાળી બિલાડી (કાલી બિલ્લી) અને 'ડસ્કી' (શ્યામવર્ણી) કહેવામાં આવી. એક એક્ટ્રેસે તો તેને ત્યાં સુધી કહી દીધું હતું કે, 'તું તો હિરોઈન બનવાને લાયક જ નથી.' પ્રિયંકાએ એક ડિરેક્ટરથી કંટાળીને ફિલ્મ છોડી, તો બોલિવૂડની પોલિટિક્સથી કંટાળીને ઇન્ડસ્ટ્રી જ છોડી દીધી. આજે તેણે બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીમાં પોતાના દમ પર નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે.
પ્રિયંકા ચોપરાએ 'રીડ ધ રૂમ' પોડકાસ્ટમાં બોલિવૂડમાં મળેલાં રિજેક્શન વિશે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે 'મને અનેક કારણોસર રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ક્યારેક મને કહેવામાં આવતું હતું કે હું રોલ માટે ફિટ નથી. ક્યારેક ફેવરિટીઝમ (તરફદારી)ને કારણે, તો ક્યારેક કોઈની ગર્લફ્રેન્ડને કારણે મને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી નહોતી. ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો, જ્યારે કોઈ મારી સાથે કામ કરવા માગતું નહોતું. કરિયરની શરૂઆતમાં મને લગભગ દોઢ વર્ષ સુધી રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.'