હિજાબમાં લગાવવાની પીન ગળી જતા કિશોરીનો જીવ જોખમાયો
વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઇથી સંબંધીઓને મળવા આવેલી 15 વર્ષીય કિશોરીએ હિજાબમાં લગાવવાની 4 mmની તિક્ષ્ણ પિન ગળી ગઈ હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, સમયસર હોસ્પિટલ પહોંચવાથી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા બાળકીનો જીવ બચ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ કિશોરીના ગળામાંથી પિન બહાર કાઢવામાં આવી હતી.
હિજાબમાં પિન લગાવવા જતા અચાનક ગળામાં ઉતરી ગઈ સયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બાળકી મુંબઇથી વડોદરામાં સંબંધીઓને મળવા આવી હતી. અહીં હિજાબમાં પિન લગાવતી વખતે તેણે પિન મોઢામાં રાખી હતી. અચાનક બોલવા જતા પિન ગળામાં ઉતરી ગઈ હતી અને ફેફસામાં અટવાઈ જતા તીવ્ર ખાંસી શરૂ થઈ હતી.
જોકે, ઘટના બન્યાના માત્ર બે-ત્રણ કલાકમાં જ કિશોરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. તપાસ બાદ એક્સ-રેમાં જાણવા મળ્યું કે, પિન શ્વાસનળીમાં વિભાજનના ભાગે ડાબી તરફના નીચેના ફેફસામાં અટવાઈ ગઈ હતી. તાત્કાલિક એનેસ્થેશિયા નિષ્ણાંતની મદદથી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને બ્રોન્કોસ્કોપી દ્વારા લગભગ 45 મિનિટથી એક કલાકની પ્રક્રિયામાં કોઈ ચીરો પાડ્યા વગર પિન કાઢી લેવામાં આવી હતી.
'કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ' વધુમાં જણાવ્યું હતું કે, શાર્પ વસ્તુઓ જેમ કે સેફ્ટી પિન ઘણી વખત ફેફસા તેમજ હૃદયમાં ઈજા પહોંચાડી શકે છે. સમયસર હોસ્પિટલ આવવાથી આ સફળતા પૂર્વક સર્જરી કરી બહાર કાઢી કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ. બાદમાં બે દિવસના એન્ટિબાયોટિક ઇન્જેક્શન અને પોસ્ટ-ઓપરેટિવ ચેસ્ટ એક્સ-રે કર્યા બાદ કિશોરીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી રજા આપવામાં આવી છે.