હવેથી આ દેશમાં પાસપોર્ટ કે ટિકિટની જરૂર નહીં પડે

UAE એ મુસાફરોને વધુ સારી અને સરળ સુવિધા આપવા માટે અબુ ધાબી એરપોર્ટ પર બાયોમેટ્રિક સેવા શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ સેવા શરૂ થતાંની સાથે જ મુસાફરોને હવે પાસપોર્ટ કે ટિકિટની જરૂર નહીં પડે. એટલે કે હવે મુસાફરનો ચહેરો તેનો બોર્ડિંગ પાસ ગણવામાં આવશે. ટૂંકમાં કહીએ તો હવે UAE ના મુસાફરો એરપોર્ટ પર બોર્ડિંગ પાસ મેળવવા માટે તેમના ચહેરાનો ઉપયોગ કરી શકે છે.

બાયોમેટ્રિક ક્ષમતાઓ સાથેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
અબુ ધાબી એરપોર્ટ પર ફેસ રેકગ્નિશન સેવાઓ પસંદગીના સેલ્ફ-સર્વિસ બેગેજ ટચપોઈન્ટ્સ, ઈમિગ્રેશન ઈ-ગેટ્સ અને બોર્ડિંગ ગેટ પર લાગુ કરવામાં આવશે અને એ પછી એરપોર્ટ પર તમામ પેસેન્જર ટચપોઇન્ટ પર અમલમાં આવશે. જણાવી દઈએ કે આ એડવાન્સ AI ટેક્નોલોજીને અબુ ધાબી સ્થિત ટેક કંપની NEXT50 દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે ટેક કંપની NEXT50 યુએઈના અબુ ધાબી એરપોર્ટ પર વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને ટેક્નોલોજી સોલ્યુશન્સ પાર્ટનર IDEMIA અને SITA સાથે તેના અત્યાધુનિક AI સોલ્યુશન્સ રજૂ કરશે. UAEની સરકાર અનુસાર અબુ ધાબી એરપોર્ટ આ નવી ટેકનોલોજી મુસાફરીને વધારશે અને મિડફિલ્ડ ટર્મિનલ બિલ્ડીંગને તમામ ગ્રાહકના ટચ પોઈન્ટ પર બાયોમેટ્રિક ક્ષમતાઓ સાથેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે સ્થાપિત કરશે.
ટેક કંપની NEXT50 ના સીઇઓ ઇબ્રાહિમ અલ મન્નાઇએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક્સ પ્રોજેક્ટ અમીરાતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિઝનના ભાગ રૂપે આવે છે. એકવાર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે સાકાર થઈ જાય પછી આ એરપોર્ટ એ ક્ષેત્રનું એવું એકમાત્ર એરપોર્ટ હશે જ્યાં તમામ ગ્રાહક સંપર્ક બિંદુઓ પર બાયોમેટ્રિક સોલ્યુશન્સ લાગુ કરવામાં આવશે. આ રીતે અબુ ધાબી એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવાના વિઝનમાં યોગદાન આપશે.

હાઈ-ટેક બાયોમેટ્રિક કેમેરાનો ઉપયોગ થશે
આ સિસ્ટમ મુસાફરોને 'કર્બ-ટુ-ગેટ'થી એક સુવિધાજનક, સંપર્ક રહિત અને સ્વસ્થ અનુભવ પ્રદાન કરશે. એક રિપોર્ટ અનુસાર આ સિસ્ટમની મદદથી મુસાફરોનો રાહ જોવાનો સમય ઘટશે અને લાંબી કતારમાંથી મુક્તિ મળશે. સિસ્ટમ એરપોર્ટના ટચપોઈન્ટ પર મુસાફરોની વિગતોને ચકાસવા માટે હાઈ-ટેક બાયોમેટ્રિક કેમેરાનો ઉપયોગ કરશે, જેમાં સેલ્ફ-સર્વિસ બેગેજ ડ્રોપ્સ, પાસપોર્ટ કંટ્રોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ અને બોર્ડિંગ ગેટનો સમાવેશ થાય છે.