હેલ્મેટ મુદ્દે સામાન્ય લોકો દંડાયા, ભાજપ કાર્યકર્તાઓને જવા દેવાયા!

રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ સવારે ત્રણ કલાકમાં શહેરમાં 2500થી વધુ વાહનચાલકો દંડાયા હતા. કાયદાની અમલવારીના વિરોધમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરા પોલીસ સાથે ઘર્ષણના દૃશ્યો પણ સામે આવ્યા હતા. જો કે, બપોર બાદ રાહુલ ગાંધીના વિરોધમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમ દરમિયાન ટુ વ્હિલર લઈ હેલ્મેટ વગર આવેલા ભાજપના કાર્યકર્તાઓ સામે કોઈ કાર્યવાહી ન થતા સવાલો ઉઠ્યા છે. આ મામલે જ્યારે કાર્યકર્તાઓને સવાલ કરાયો તો જવાબ આપવલામાં ગેંગેફેંફે કરવા લાગ્યા હતા.
રાજકોટ ભાજપ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ બિહારમાં થયેલ અભદ્ર ટિપ્પણીને લઈને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ઘણા આગેવાનો અને કાર્યકરો હેલ્મેટ પહેર્યા વિના જ બાઇક લઈને પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે આ કાર્યકરો અને આગેવાનો બાઇક પર બેસીને જવા નીકળ્યા ત્યારે મીડિયા દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા સામે જ રહેતા હોવાના અને બાઇક પર એમ જ બેઠા હોવાના લુલા બચાવ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અનેક કાર્યકરો કે જેની પાસે હેલ્મેટ ન હતું તેઓ બાઇક ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા હતા.