ગુરુદેવ રવિશંકરજી ને 2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીને 'બોસ્ટન ગ્લોબલ ફોરમ' (BGF) અને 'AI વર્લ્ડ સોસાયટી' (AIWS) દ્વારા '2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સ્કી, અને યુએનના પૂર્વ સચિવ-જનરલ બાન કી-મૂન જેવા વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે.
એવોર્ડ પ્રદાન કરતી વખતે BGFના સહ-સ્થાપક અને CEO ન્ગુયેન આન તુઆને જણાવ્યું કે: “ગુરુદેવ પૂર્વના આધ્યાત્મિક જ્ઞાન અને પશ્ચિમની નવીનતાની વચ્ચે સેતુ રચનારા પ્રેરણાત્મક વૈશ્વિક નેતા છે. AIના યુગમાં તેમની માનવતા અને નૈતિક નેતૃત્વ માર્ગદર્શક બની રહ્યું છે.”
BGF એ આગળ જણાવ્યું કે ગુરુદેવ દ્વારા કોલંબિયા, ઇરાક, શ્રીલંકા, વેનેઝુએલા અને કાશ્મીર સહિતના સંવેદનશીલ ક્ષેત્રોમાં શાંતિ સ્થાપન માટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ અને મધ્યસ્થતા કરવામાં આવી છે. આ એવોર્ડ વિશ્વના 180થી વધુ દેશોમાં શાંતિ સ્થાપના, સંઘર્ષ નિવારણ અને માનવતાવાદી કાર્યો માટે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના લાંબા સમયથી ચાલતા યોગદાન ને માન્યતા આપે છે.
એવોર્ડ સ્વીકારતા ગુરુદેવે જણાવ્યું કે, “શાંતિ માત્ર શબ્દો નહીં, પરંતુ કાર્ય દ્વારા સ્થાપિત થવી જોઈએ. સુરક્ષા માટે વિશ્વભરમાં મોટા પ્રમાણમાં પ્રયાસ થાય છે, પરંતુ શાંતિ નિર્માણને પૂરતું મહત્વ મળતું નથી. સમાજમાંથી અવિશ્વાસ અને તણાવ દૂર કરવા માટે નૈતિક અને આધ્યાત્મિક શક્તિ અનિવાર્ય છે. આવો, તણાવમુક્ત અને હિંસામુક્ત વિશ્વનું સ્વપ્ન સાકાર કરીએ.”
શાંતિ ક્ષેત્રે યોગદાનની સાથે સાથે, ગુરુદેવ વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. લોસ એન્જલસ સ્થિત તેમના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍબ્સોલ્યુટ ઇન્ટેલિજન્સમાં ન્યુરોસાયન્ટિસ્ટ, ફિલોસોફર અને AI નિષ્ણાતો જોડાઈ ચેતના અને ટેકનોલોજીના સંશોધન પર કાર્ય કરી રહ્યા છે, જેને માનવ મૂલ્યો આધારિત નૈતિક અને જવાબદાર નવીન શોધની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ ગણવામાં આવે છે.