ગુજરાતનો પ્રથમ યુવાન, જેણે ડેફલિમ્પિક્સ બે મેડલ જીત્યા
જાપાનના ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે. જન્મથી જ સાંભળી ન શક્તા મોહમ્મદ મુર્તઝા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું. મોહમ્મદ મુર્તઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે.
સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી. ગત વર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. હવે ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષના મોહમ્મદ મુર્તઝા વાણિયાએ રાઈફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યારસુધીમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મૂકબધિર છે. માત્ર ચાર વર્ષની વયે તેમના કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું. અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણાં આગળ હતાં, પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું. હાલ મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિ.માં B.Sc. ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.