ગુજરાતની ધરતી પરથી ખડગેના BJP પર પ્રહાર

રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે. આણંદ બાદ આજથી જૂનાગઢના પ્રેરણાધામમાં ગુજરાતના શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો.
ગુજરાત પધારેલા ખડગેએ ભાજપના નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે પ્રહાર કર્યા. ખડગેએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને એના કારણે આજે દેશ એક છે, જે બંને અમારા માટે પૂજનીય છે, પરંતુ અહીંથી અન્ય બે લોકો છે, જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કામ કર્યું છે એનો નાશ કરવા માગે છે.
જૂનાગઢના પ્રેરણાધામમાં આજથી શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં શહેર-જિલ્લાના 41 પ્રમુખો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષી નેતા તુષાર ચૌધરી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. પ્રથમ દિવસે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે હાજરી આપી હતી.
12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપશે જૂનાગઢમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપવા ગુજરાત પધારશે. 12 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી શિબિરમાં ઉપસ્થિત શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપશે.