ગુજરાત સરકારે નગરપાલિકાના હાથ 'છૂટા' કર્યા, ખર્ચ કરવા નહીં લેવી પડે કોઈ મંજૂરી, જુઓ વર્ગ વાઈઝ કોણ કેટલા ખર્ચી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને નાણાંકીય સત્તા સોપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રીએ આ અભિગમ અપનાવ્યો છે.મહત્વનું છે કે અગાઉ CM કક્ષાએ ખર્ચ માટે મંજૂરી લેવી પડતી હતી. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે.
ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ પણ અપાશે
વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશનર અધ્યક્ષતાની સમિતિ પાસે ફાયનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો મળી હતી. આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો નિર્ણય કરાયો છે અને તેના હાથ છુટા કર્યા હોય તેમ હવે ખર્ચ કરવા માટે પણ તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ એટલે કે નાણાંકીય સત્તા સોપવાનો લીધો છે.
વર્ગ વાઇઝ નગરપાલિકાની યાદી
તેમના આ નિર્ણયને પગલે વર્ગ વાઇઝ નાગરપાલિકાનો સમાવેશ કરાશે. જેમાં ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૫૦ લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૪૦ લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૩૦ લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૨૦ લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.