ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક
ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ અમેરિકા સાથે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઘણી ધમકીઓ આપી ચૂક્યા છે.
ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેનમાર્કનો ભાગ છે અને તે પણ અમેરિકાની જેમ NATO સભ્ય છે. એટલે કે, એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે જ્યાં NATOનો જ એક સભ્ય દેશ, બીજા સભ્ય દેશને લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યો છે.
ડેનમાર્કની આવી પરિસ્થિતિ અંગે ગ્રીસના પૂર્વ નાણા મંત્રી અને અર્થશાસ્ત્રી યાનિસ વારોફાકિસે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ગ્રીનલેન્ડના કર્મોનું ફળ છે. તેમણે કહ્યું કે NATO બાહ્ય દુશ્મનોથી બચાવવા માટે છે, પરંતુ આંતરિક દુશ્મનોથી રક્ષણ માટે નથી.
જ્યારે 1974માં NATOના બે સભ્ય દેશો ગ્રીસ અને તુર્કીયે વચ્ચે સાયપ્રસને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ડેનમાર્કે કહ્યું હતું કે NATOનું કામ કોઈ સભ્ય દેશને બીજા સભ્ય દેશથી બચાવવાનું નથી.