ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો
ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી ભાર્ગવને 108 મારફત તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવ ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું અને તેના પિતા મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. યુવક સરધાર કોઈ કામસર આવ્યો હતો અને પછી સરધારથી પોતાના ગામ સરગામ જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આજીડેમ પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
ઈર્શાદ ફિરોઝભાઈ કુરેશી (ઉં.વ.35) ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. ઈર્શાદએ આરોપ કર્યો હતો કે 3 મહિના પહેલા આસિફ, યાસીન, અને કુલદીપએ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા હતા. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી આ પછી આઠ દિવસ પહેલા ધોકા અને પાઇપ લઈને ઘસી આવેલા શખ્સો દ્વારા હુમલાની કોશિશ થઈ હતી. ત્યારે પોલીસને બોલાવવામાં આવી હતી. આમ, ઘણા દિવસોથી યુવાન અને તેના પરિવારને ત્રણ શખ્સો દ્વારા ધમકીઓ આપતા હોવાથી હુમલાની ભીતિ હોવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું હતું જેને લઇ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી જવા પામી હતી.