દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતી જ્યુબિલી સર્કલથી ગુમ થઇ અને 23 દિવસે તેનો મૃતદેહ મળતાં ચકચાર

નખત્રાણાના સુખપર(રોહા)ની 22 વર્ષીય યુવતી ભુજના જયુબિલી સર્કલથી ગુમ થયેલી હતી.23 દિવસ બાદ ગુમ થયેલી યુવતીની કોહવાયેલી લાશ ભુજ-મુન્દ્રા રોડ પરથી બાવળની ઝાડીઓમાં મળી આવી છે.માધાપરમા માસાને ઘરે આવેલી યુવતી ગુમ થતા ભુજ એ ડીવીઝન પોલીસ મથકે ગુમનોધ લખાવી હતી.યુવતીની લાશ મળી આવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ભુજ-મુન્દ્રા રોડ ઉપર લક્કીવાળી ચાડી પાસે બાવળોની ઝાડીઓમાં નખત્રાણાના સુખપર ગામની 22 વર્ષીય શાન્તાબેન હરેશભાઈ કોલીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.22 દિવસ અગાઉ માધાપર ખાતે રહેતા માસા અરવિંદ કોલીના ઘરે યુવતી આવી હતી.
ભેદી સંજોગોમાં એકાએક યુવતી ગુમ થઇ ગઈ
સાંજે સુખપર જવા માટે યુવતીને ભુજના જયુબિલી ગ્રાઉન્ડ પર તેના માસા મુકવા આવ્યા હતા.એ દરમિયાન ભેદી સંજોગોમાં એકાએક યુવતી ગુમ થઇ ગઈ હતી.જેના પગલે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે યુવતીની ગુમનોધ લખાવી હતી.જેના ત્રણ સપ્તાહ બાદ યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
એફએસએલ અને ડોગસ્કોડની ટીમે તપાસ હાથ ધરી
યુવતીની કોહવાયેલી લાશ મળી આવતા તેના પિતા હરેશભાઈ કોલીએ દીકરીનું મોત કેવી રીતે થયું તે અંગે પોસ્ટમોર્ટમ કરી તપાસ કરવા ભુજ એ ડીવીઝન પોલીસ પાસે માંગ કરી છે.બનાવ અંગે એ ડીવીઝન પીઆઈ આર.આઈ.સોલંકીએ જણાવ્યું કે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી છે.લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હોવાથી એફએસએલ અને ડોગસ્કોડની ટીમે પણ તપાસ હાથ ધરી છે.
અગાઉ યુવતીએ નખત્રાણા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
મરણજનાર યુવતી શાન્તાબેન કોલીએ અગાઉ નખત્રાણા પોલીસ મથકે ભારાસર ગામના જગદીશ ધનજી કોલી વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.ત્યારબાદ ભારાસરના યુવકને સમાધાન કરવા માધાપર બોલાવ્યો હતો.જ્યાં યુવકને કેફી દ્રવ્ય પીવડાવી માર મારી ગંભીર રીતે ઘાયલ કરી હરીપર નજીક બેહોશ હાલતમાં ફેકી દેવામાં આવ્યો હતો.જેને સારવાર માટે 108 દ્વારા ભુજની જી.કે જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવકના બન્ને હાથ કાપવા પડ્યા હતા.જે અંગે યુવકે મરણજનાર યુવતી શાન્તાબેન વિરુધ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.સમગ્ર પ્રકરણ દરમિયાન મરણજનાર યુવતી શાન્તાના માસાએ અને ભારાસરના યુવક જગદીશની પત્નીએ ઝેરી દવા પી લીધાનો બનાવ પણ બન્યો હતો.આમ અનેક તાણાવાણા સાથે આ બનાવ ભારે રહસ્યમય બની ગયો છે.