રાજકોટ મનપાનું નકલી ફોર્મ-સ્ટેમ્પ બનાવી ગઠિયાએ 90 હજાર ઉસેટયા, ઘર લેવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યો

દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ઘરનું ઘર મળે જો કે આ માટે સરકાર દ્વારા પણ આવાસ યોજના મારફત લાભાર્થીઓને ઘર આપવામાં આવે છે પરંતુ રાજકોટમાં એક એવા શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે જે શખ્સ લોકોના સ્વપ્ન પર પાણી ફેરવી દેતો હતો અને રૂપિયા મેળવી ઘર અપાવવાના બહાને છેતરપિંડી આચરતો હતો.
ગઠિયા વિરુદ્ધ FIR
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર્સ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનારા અમિત ભાવસિંગભાઈ ચૌહાણ નામના શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રવિશંકરભાઈ ગૌતમ નામના ફરિયાદીની ફરિયાદ આધારે અમિત ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 472, 474 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સહી પણ કરી આપી
આ અંગે રવિશંકરભાઈ ગૌતમએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પોતાના માટે ક્વાર્ટર શોધી રહ્યા હતા જે દરમિયાન તેમને આરોપી અમિત ચૌહાણ સાથે સંપર્ક થયો હતો. અમિત ચૌહાણ એ તેમને વિશ્વાસમાં લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ યોજનાના ક્વાટર્સ અપાવી દેશે તેવું જણાવ્યું હતું. જે પેટે રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂપિયા 90,000 લઈ તે રૂપિયાના બદલામાં આવાસના ક્વાર્ટર્સનું અરજી ફોર્મ સ્વીકાર્યાનું રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી.

એક જ સિરીઝના ફોર્મ કબ્જે કરવામાં આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પછી ફરિયાદી રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી પહોંચ ખોટી છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકાનું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાના કામે વાપરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાનો ડુપ્લીકેટ સ્ટેમ્પ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના એક જ સિરીઝના ફોર્મ કબ્જે કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 4 અરજદારોને છેતર્યા
ગઠિયાએ અત્યાર સુધીમાં કુલ 4 અરજદારો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ આરોપી આવાસ યોજનાના ડુપ્લીકેટ ફોર્મ કઈ જગ્યા પર પ્રિન્ટ કરાવતો હતો તેમજ આ ગુનામાં અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અમિત ચૌહાણ અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દેણામાં આવી જતા તેને દેણું ચૂકતે કરવા શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા આ રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.