કોરોનામાં ઓનલાઇન માલ મગાવનાર વેપારી સાથે રૂપિયા 5.62 લાખની ઠગાઇ

શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની વિરાણી ચોક પાછળ રહેતા કિશોરભાઇ હિરાચંદભાઇ દોશી નામના વેપારીએ રજત અગ્રવાલ નામના શખ્સ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એસ્ટ્રોન ચોક પાસે એ.કે.પી. સર્જિકલ નામની દુકાન ધરાવતા વેપારીની ફરિયાદ મુજબ, 2021ના કોરોનાની મહામારી સમયે ઓક્સિજન બાટલા પર રાખવાના ફ્લો મીટરની જરૂરિયાત હોય અને શહેરમાં કર્ફ્યૂ હોવાને કારણે ઓનલાઇન વેપાર કરતા હતા. આ સમયે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર લાઇફ ટોન ઓક્સીફલો મીટર લખેલી જાહેરાત જોઇ હતી. જેમાં બાલાજી સર્જિકલ નામનું કાર્ડ પણ હતું.
તેમાં રજત અગ્રવાલ નામ અને તેના મોબાઇલ નંબર લખેલા હતા. જેથી તેમને જરૂરિયાતવાળી વસ્તુઓ હોવાથી મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. ફોનમાં સામે વાળી વ્યક્તિએ પોતે રજત અગ્રવાલ બોલતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોતાને ઓક્સીફલો મીટર જોઇતા હોવાનું જણાવતા તેને મળી જશે તેમ કહી એક નંગનો ભાવ આપ્યો હતો.
તેમજ ઓછામાં ઓછા 500 નંગ ખરીદ કરવા પડશેની પણ વાત કરી હતી. રજત અગ્રવાલ સાથેની વાતચીત બાદ 500 નંગ ઓક્સીફલો મીટરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર બાદ રજત અગ્રવાલે બેંક ખાતા નંબર મોકલી પેમેન્ટ કરી દેવા અને બાદમાં પોતે માલ મોકલી દેશેની વાત કરી હતી. તેમજ પાકું બિલ પણ તમને મળી જશે તેમ કહ્યું હતું.
ઓર્ડર મુજબની રકમ રજત અગ્રવાલે આપેલા બેંક ખાતામાં આરટીજીએસથી બે લાખ મોકલી આપ્યા હતા. થોડી વાર બાદ રજત અગ્રવાલે ફોન કરી બધું પેમેન્ટ કરી આપો એટલે તમને માલ મોકલી આપું. જેથી 2021ના મે મહિનામાં કુલ રૂ.6.40 લાખ આરટીજીએસથી ચૂકવી આપી પોતાના સરનામે માલ મોકલી આપવા કહ્યું હતું.
ત્યાર બાદ રજત અગ્રવાલે લાંબા સમય પછી પણ માલ નહિ મોકલતા તેને અવારનવાર ફોન કરવા છતાં તેને માલ મોકલ્યો ન હતો. બાદમાં રજત અગ્રવાલે તેનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યાર બાદ રજત અગ્રવાલે બે તબક્કે રૂ.78 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાકીના રૂપિયા પરત ન કરી તેમજ માલ પણ ન આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ ટી.ડી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.