વીજગ્રાહકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા - એક વર્ષમાં 18,143 કરોડનું બિલ કલેક્શન, તેમાંથી 65% ઓનલાઈન જમા થયું

ડિજિટલ પેમેન્ટનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધ્યું છે. લોકો શાકભાજી અને ભોજન પણ ઓનલાઈન પેમેન્ટથી ઓર્ડર કરે છે ત્યારે રાજ્યની વિસ્તાર અને ગ્રાહકોની દૃષ્ટિએ સૌથી મોટી વીજકંપની પીજીવીસીએલના વીજગ્રાહકો પણ ધીમે ધીમે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા હોય એમ છેલ્લા એક વર્ષમાં થયેલી બીલ કલેક્શનની આવકમાંથી 65% રકમ ઓનલાઈનના માધ્યમથી થઇ હોવાનું જાણવા મળ્યું છે. પીજીવીસીએલને છેલ્લા એક વર્ષમાં વીજબિલની આવક કુલ રૂપિયા 18143. 74 કરોડની થઇ છે જેમાંથી 11,807.11 કરોડ ઓનલાઈન માધ્યમથી કલેક્શન થયું છે જ્યારે 6336.63 કરોડ ઓફલાઈનના માધ્યમથી આવક થઇ છે.
એકંદરે એવું કહી શકાય કે વીજકંપનીને 65% કલેક્શન ઓનલાઈન માધ્યમથી થતું હોવાથી સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે જ્યારે 35% આવક હજુ પણ ઓફલાઈન થઇ રહી છે જેમાં લોકો હજુ પણ પીજીવીસીએલના સબ ડિવિઝન કે બિલ કલેક્શનમાં લાઈનમાં ઊભા રહીને તેમનું વીજબિલ ભરે છે.
બિલની રકમ ખાતામાંથી ઓટોમેટિક કપાઈ જશે
પીજીવીસીએલની વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન બિલ ભરી શકાય છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાના બેંક ખાતાનો નંબર પીજીવીસીએલની સબ ડિવિઝન ખાતે ફોર્મ ભરીને નોંધાવી દે તો વીજબિલની રકમ ગ્રાહકના ખાતામાંથી દર મહિને કે બે મહિને જ્યારે બિલ જનરેટ થશે ત્યારે ઓટોમેટિક ભરાઈ જશે. યુવાનો હાલ ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક્ટિવ હોય છે જેના માધ્યમથી હવે તમામ પ્રકારના પેમેન્ટ ઓનલાઈન જ ભરતા હોય છે. ઓનલાઈન બિલ ભરવાને કારણે પીજીવીસીએલના સબ ડિવિઝનોમાં અને બિલ કલેક્શન સેન્ટરમાં પણ ગ્રાહકોની લાઈનો ઓછી થઇ છે.
વીજગ્રાહકો QR કોડ સ્કેન કરી બિલ ભરી શકે છે
ઓનલાઈન બિલ ભરવામાં સરળતા રહે તે માટે પીજીવીસીએલએ નવી સેવા લાગુ કરી છે. દરેક વીજગ્રાહકોને બિલમાં QR કોડ અપાય રહ્યો છે. આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે અને ગ્રાહક વીજબિલ સરળતાથી ઓનલાઈન ભરી શકશે. આ ઉપરાંત અન્ય જુદી જુદી વેબસાઈટ કે એપ્લિકેશન પરથી પણ ગ્રાહકો વીજબિલ ભરી શકે છે.