એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ
સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુલ્લા વિસ્તારોમાં નિકાલ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવાર, 4 નવેમ્બરના રોજ FSSAIએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કમિશનરોને એક આદેશ જારી કર્યો.
સલાહમાં જણાવાયું છે કે નિકાલ પ્રક્રિયાનું નિરીક્ષણ ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) અથવા અધિકૃત અધિકારી દ્વારા કરવામાં આવવું જોઈએ અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવું જોઈએ. નિકાલ પછી એક પ્રમાણપત્ર જનરેટ કરવું જોઈએ અને નિયુક્ત અધિકારી, ફૂડ સેફ્ટી કમિશનર અને ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO)ને મોકલવું જોઈએ.
તાજેતરના સમયમાં એવા અનેક અહેવાલો આવ્યા છે કે જપ્ત કરાયેલ અથવા મુદત પૂરી થઈ ગયેલ ખોરાક નદીઓ અથવા ખુલ્લા ખેતરોમાં ફેંકવામાં આવી રહ્યો છે, જેના કારણે પાણી પ્રદૂષણ અને આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. FSSAIએ જણાવ્યું હતું કે આ માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, પરંતુ આવી વસ્તુઓને સપ્લાય ચેઇનમાં રિસાયકલ થવાનું જોખમ પણ મૂકે છે.
અગાઉ 21 ડિસેમ્બર, 2020ના રોજ ફૂડ રેગ્યુલેટરે સમાન માર્ગદર્શિકા જારી કરી હતી, જેનો હવે કડક અમલ કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, દુરુપયોગ અટકાવવા માટે કોર્ટ અથવા સંબંધિત અધિકારીના આદેશ પર જ નાશ કરવામાં આવશે.