દુબઈ એર-શોમાં ભારતીય ફાઇટર જેટ ક્રેશ
દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. અલ મક્તૂમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો.
તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.
વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.