શું તમને પણ વધારે મીઠું ખાવાની આદત છે? તો ચેતી જજો નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીમાં

ભારતમાં કરોડો લોકો હાઇ બ્લડ પ્રેશર એટલે કે બીપીની બીમારીથી પીડાઈ રહ્યા છે અને આ બીમારીથી પીડિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આજના સમયમાં બીપીની સમસ્યા દરેક વયજૂથના લોકોમાં જોવા મળે છે અને તેની પાછળનું કારણ નબળી લાઈફસ્ટાઈલ, અનહેલ્થી ડાઈટ અને તણાવ હોય શકે છે. જો કે આ કારણે હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે અને આ બધા પાછળનું એક મુખ્ય કારણ છે વધુ પડતા મીઠાનું સેવન. વધુ પડતા મીઠાનું સેવન બ્લડ પ્રેશર પર ખરાબ અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધે છે અને તે ભવિષ્યમાં હૃદયની બીમારીઓ તરફ દોરી જાય છે. જણાવી દઈએ કે આ સિવાયની એક સ્ટડી મુજબ સામાન્ય રીતે દરેક પ્રકારના ખોરાકમાં 3.8 ગ્રામ મીઠું હોય છે અને તે એ મીઠાનું સેવન રક્તવાહિનીઓ ખોલવાની ક્ષમતાને અસર કરે છે. ખોરાકમાં વધુ મીઠું લેવાથી ધમનીઓ સાંકડી થાય છે અને તે લોહીના પ્રવાહને અસર કરે છે. ખાવાના અડધા કલાક પછી જ આ સ્થિતિ બનવા લાગે છે.

વધુ પડતું મીઠું શરીરને નુકસાન પહોંચાડે
સામાન્ય રીતે ખોરાકમાં વધુ પડતાં મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, હાયપરટેન્શન અને સામાન્ય હૃદય રોગનું જોખમ વધે છે. પ્રયાસ કરવો જોઈએ કે આખા દિવસમાં ફક્ત બે ગ્રામ મીઠું શરીરમાં જાય આ ઉપરાંત હાઈપરટેન્શનથી પીડિત લોકો માટે દરરોજ 1.5 ગ્રામથી વધુ મીઠું ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આપણા ભારતીયોને આદત છે કે દરેક ખોરાક મસાલેદાર હોવો જોઈએ અને દરેક સ્વાદિષ્ટ ખોરાક પણ મીઠા વગર ફિક્કો લાગે છે. જો કે મીઠું એ માત્ર ખોરાકનો ટેસ્ટ જ નહીં પણ શરીરને પણ ઘણા ફાયદા આપે છે. મીઠા માંથી શરીરને ઘણું આયોડિન મળે છે અને તે થાઇરોઇડ ગ્રંથિને નિયંત્રિત કરે છે સાથે જ શરીરમાં પ્રવાહીની માત્રાને સંતુલિત કરે છે. પણ વધુ પડતો મીઠાનો ઉપયોગ શરીરને ખરાબ રીતે નુકસાન પણ પહોંચાડે છે.