'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી
તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે.
આજે, 11મી ડિસેમ્બર 2025ના રોજ, જૂનાગઢ ખાતે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકોએ ઉપસ્થિત રહીને મામલતદાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવીને આ ફિલ્મના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને વાંધાજનક ડાયલોગ દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે.
બલોચ મકરાણી સમાજ દ્વારા વડાપ્રધાનને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 5મી ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત દ્વારા એક ડાયલોગ બોલાય છે: "મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહીં." સમાજનો આક્ષેપ છે કે આ ડાયલોગથી તેમની સમગ્ર કોમ્યુનિટીનીને માનહાની થઈ છે અને સમાજ દગાખોર, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય તેવું ચિત્રિત કરવામાં આવ્યું છે.