ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે, જોકે તે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. નેપોટિઝમને કારણે તે ઘણીવાર ટ્રોલ થાય છે. ટ્રોલિંગ પર સારા અલી ખાને કહ્યું હતું કે 'હું મારાં માતા-પિતાને તો બદલી શકતી નથી. હું હંમેશાં ઈચ્છું છું કે લોકો મને મારા કામ માટે ઓળખે.'
સારા અલી ખાનને બાળપણથી જ એક્ટ્રેસ બનવું હતું. સારા માત્ર 4 વર્ષની હતી ત્યારે તેણે કેમેરાનો સામનો કર્યો હતો. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. સૈફ અલી ખાને જણાવ્યું હતું કે 'શિકાગોમાં ઐશ્વર્યા રાયનું સ્ટેજ પર્ફોર્મન્સ જોયા બાદ સારાએ એક્ટ્રેસ બનવાનું નક્કી કરી લીધું હતું.' જોકે સૈફ ઇચ્છતો હતો કે બોલિવૂડમાં પ્રવેશતાં પહેલાં તે પોતાનો અભ્યાસ પૂરો કરે.
યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને 2018માં ફિલ્મ 'કેદારનાથ'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. એક્ટ્રેસને આ ફિલ્મ માટે 'બેસ્ટ ફીમેલ ડેબ્યૂ' માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.