ડિલિવરીના ત્રણ દિવસ બાદ 'તુલસી' શૂટિંગ પર હાજર હતી!

ફેમસ ટીવી શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ની બીજી સિઝન આવતી કાલથી દરરોજ રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થશે. એવામાં શોના મુખ્ય પાત્ર 'તુલસી' એટલે કે એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમના પુત્રના જન્મના ત્રણ દિવસ પછી જ તેમને ટેલિવિઝન શોના સેટ પર પાછા ફરવું પડ્યું હતું.
રાજ શમાણી પોડકાસ્ટમાં સ્મૃતિએ જણાવ્યું કે- તેમના શો ''ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' ની લોકપ્રિયતા એટલી બધી હતી કે દર્શકો દરરોજ રાત્રે 10:30 વાગ્યે એક નવો એપિસોડ જોવા માંગતા હતા. તેથી જ તેમને કામ પર વહેલા પાછા ફરવું પડ્યું. સ્મૃતિએ જણાવ્યું કે મિસકેરેજ પછી પણ તે કામ પર પાછી ફરી. તે બે નિર્માતાઓ સાથે કામ કરી રહી હતી. તે સમયે એક નિર્માતા રવિ ચોપરાએ તેને એક અઠવાડિયાની રજા આપી હતી, પરંતુ બીજા નિર્માતા એકતા કપૂર પાસે આવો વિકલ્પ નહોતો કારણ કે આ શો દરરોજ ટેલિકાસ્ટ થતો હતો.
સ્મૃતિએ એ પણ ખુલાસો કર્યો કે તે પ્રેગનન્સીના નવમા મહિના સુધી કામ કરતી હતી. તેણે તેના ઘરનો EMI ચૂકવવાનો હતો, તેથી તે સતત બે શો કરતી, જોકે તેના પરિવાર અને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેણે 'કુછ દિલ સે' શોમાંથી દૂર કરવામાં આવી હતી.