ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ
સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના ₹46 લાખ બચાવી લીધા. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી, જજ-વકીલ-બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલો ડરાવી દીધા હતા કે, તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધને બચાવ્યા એનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી. વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા. તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને CBI અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું કે, "તમારા આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે, તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે.