દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરિતે પોલીસકર્મીનું ગળું દબાવ્યું તો સુરેન્દ્રનગરમાં છરીથી હુમલો
રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરિતે પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલીસકર્મી પર છરીથી હુમલો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે બન્ને આરોપીના પગમાં ગોળી મારી હતી. હાલ બન્ને આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આસામથી ઝડપાયેલા આરોપીને ગાંધીનગર લઈ જવામાં આવતો હતો ગુજરાત SMC દ્વારા અશોક બિશ્નોઇ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન SMCની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી. જ્યાંથી આરોપી અશોક બિશ્નોઇને ઝડપી પાડીને તેને લઈને ગાંધીનગર આવી રહી હતી. SMCની ગાડીમાં PI, 2 PSI, એક કોન્સ્ટેબલ અને આરોપી હતા.
આ દરમિયાન લીમડી- લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઇએ કાર ચલાવી રહેલા PSI કે.ડી.રવ્યાના ગળામા સીટબેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમા સવાર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલું રાખ્યું હતું. જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી. જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો.