ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિધ બેનરોની સાથે 'હાય રે ભાજપ હાય હાય', 'હાય રે ચૂંટણી પંચ હાય હાય' જેવા નારા લગાવી દેખાવો કર્યા હતા. આ તકે NSUI દ્વારા ચૂંટણીપંચ તટસ્થ ન હોવાનો અને ભાજપનાં ઈશારે કામ કરતું હોવાનો ગંભીર આરોપ લગાવાયો હતો. આ તકે NSUI અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ભાજપ સરકારની સાથે ચૂંટણીપંચની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીપંચની તરફેણ લોકશાહી માટે ખતરોઃ NSUI NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે દેશનું ચૂંટણીપંચ ભાજપ પ્રેરિત થઈ ગયું છે. વિરોધ પક્ષના નેતા અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીપંચની પોલ ખોલી હતી, જેનાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગઈ છે. જો દેશમાં સારી લોકશાહી જાળવવી હોય તો લોકશાહીનો સૌથી મજબૂત પાયો ગણાતું ચૂંટણીપંચ નિષ્પક્ષ રહેવું અત્યંત આવશ્યક છે. ચૂંટણીપંચ કોઈ ચોક્કસ પક્ષની તરફેણ કરશે, તો દેશની લોકશાહી ખતરામાં આવી જશે.
‘ચૂંટણીપંચ દ્વારા બોગસ મતદારોના નામ ઉમેરાયા’ વધુમાં તેમણે જણાવ્યું કે, ગઈકાલે વિરોધ પક્ષના તમામ સાંસદોએ ચૂંટણીપંચ પાસે મુલાકાત માટે સમય માંગ્યો હતો, પરંતુ ચૂંટણીપંચે તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીપંચ દ્વારા બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે, જ્યારે સાચા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જે લોકશાહી માટે ગંભીર ખતરો છે. આ કાર્યવાહીનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને દેશની લોકશાહીની સુરક્ષા માટે રાહુલ ગાંધી સાથે છે.