જીરુંના ભાવે 6400ની સપાટી જાળવી, કપાસની આવક ઘટી

બેડી યાર્ડમાં નવી જણસીની આવક અત્યારથી જ ચાલુ થઈ ગઇ છે. સિઝનમાં કપાસની આવક પહેલેથી જ ઓછી છે. ત્યારે શુક્રવારની સરખામણીએ શનિવારે વધુ 600 ક્વિન્ટલની આવક ઓછી થઈ હતી. ઓછી આવક વચ્ચે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2000 એ પહોંચવામાં માત્ર રૂ.20નું જ છેટું રહ્યું છે.જ્યારે સિંગતેલનો ડબ્બો રૂ.2770 અને અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ જોવા મળે છે. જીરુંના ભાવે શનિવારે રૂ.6400ની સપાટી જાળવી રાખી હતી.
વેપારીઓના જણાવ્યાનુસાર હાલ બજારમાં સામાન્ય ખરીદી જોવા મળી રહી છે. લગ્ન સિઝનની ખરીદી જોવા મળે છે. જોકે સામાન્ય લોકો- ગ્રાહકો તરફની ખરીદી છે એ સામાન્ય છે. બારમાસ તેલ ભરવાની સિઝન માર્ચમાં પૂર્ણ થશે. આ વખતે બારમાસ તેલની ખરીદી 50 ટકા જ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. શનિવારે કપાસની ઓછી આવક વચ્ચે પણ તેના ભાવ ટકેલા રહ્યા હતા. એક મણ કપાસનો ભાવ રૂ.1540થી 1670 સુધી બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીની આવક 1250 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 1100 ક્વિન્ટલ રહી હતી. મગફળીનો ભાવ રૂ. 1190થી 1645 સુધી રહ્યો હતો.