ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 પર પહોંચી

દેશમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને લગતી ફરિયાદોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનને મળતી ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 સુધી પહોંચી ચૂકી છે. ગત વર્ષે નવેમ્બર દરમિયાન 40,000 ફરિયાદો નોંધાઇ હતી. જે ઇ-કોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ મેકેનિઝમ અસરકારક ન હોવાનું જણાવે છે.
ગ્રાહક મામલાના સેક્રેટરી રોહિત કુમાર સિંઘે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા ઇકોમર્સ ટ્રાન્ઝેક્શન્સને લગતી ફરિયાદોની ટકાવારી 8 ટકા હતી, જે ગત નવેમ્બર દરમિયાન વધીને 48 ટકાએ પહોંચી ચૂકી છે. જે જણાવે છે કે અનેક ઇકોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ સિસ્ટમ અસરકારક ન હોવાના સંકેત આપે છે. ગ્રાહક અને વિક્રેતાઓ વચ્ચેનું સમીકરણ અચાનક જ બદલાયું છે.
ગ્રાહકો વધુને વધુ નબળા પડી રહ્યાં છે અને ત્યાં જ મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સેક્ટરના અનેક કોર્પોરેટ સાથેની વાતચીત દરમિયાન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ઇકોમર્સ કંપનીઓ ગ્રાહકોને હળવાશથી ન લઇ શકે. કોર્પોરેટ્સને સ્વનિયમન કરવા માટેનો નિર્દેશ અપાયો છે. NCH અત્યારે 10 ભાષામાં સેવા પૂરી પાડે છે. જે ભવિષ્યમાં વધીને 22 થશે. જો કે અર્થતંત્રમાં ગતિશિલતાની સાથે રેગ્યુલેશન અને એન્ફોર્સમેન્ટ ફ્રેમવર્કમાં એટલો સુધારો જોવા મળ્યો નથી.