10 દિવસ બેગ વગર આવવાનું, ગોખણિયું જ્ઞાન નહીં...: નવી શિક્ષણનીતિ પર જુઓ શું બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ મહેસાણાના પીલવઈ ખાતે આવી શેઠ જી.સી હાઈસ્કૂલ ખાતે આયજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મહેસાણાના પીલવઈ ખાતે આવેલી શેઠ જી.સી.હાઈસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ શાળા સાથે અમિત શાહ અને તેમના પત્નીની અનેક યાદગીરી પણ જોડાયેલી છે.
અમિત શાહે નવી શિક્ષણનીતિ પર કરી વાત
આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જે શાળામાં મારા પિતાજી અને મારા પત્નીના પિતાજી ભણ્યા તે શાળામાં મને બોલાવી તેમનું ઋણ ચૂકવવાનો મને એક મોકો આપ્યો છે. 95 વર્ષથી સતત જો કોઈ સંસ્થા કોઈ પણ સંકટ વિના ચાલતી હોય તો તેનો મતલબ તેની પાછળ ઘણા પવિત્ર ભાવના છે.
એક શિક્ષણનીતિ અંગ્રેજોએ બનાવી જેમાં રટુરટેલું જ્ઞાન હતુંઃ અમિત શાહ
નવી શિક્ષણનીતિ પર તેમણે કહ્યું હતું કે, આ સંસ્થા બે શિક્ષણ નીતિ ઉપર કાર્યરત રહેશે. એક શિક્ષણનીતિ અંગ્રેજોની જેમાં રટેરટયેલું જ્ઞાન હતું, જેમાં બાળકની સમજણ શક્તિ વિકસવાને કોઈ અવકાશ ન હતું. 2014માં દેશમાં પરિવર્તન આવ્યું. તે સમયે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જઈ શિક્ષણવિદ સાથે ચર્ચા કરી હતી. છ વર્ષ સુધી સતત કામગીરી કરી. 25 વર્ષ પછી આવેલી આ નવી શિક્ષણ નીતિથી હવે ભારતને નંબર વન બનતા કોઈ નહીં રોકી શકે.
'ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં અપાશે'
તેઓએ જણાવ્યું હતું કે, આગામી 5-7 વર્ષમાં દરેક બાળક માતૃભાષામાં ભણતું હશે. ટેક્નિકલ, મેડિકલ અને ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં અપાશે. માતૃભાષામાં શિક્ષણ માટે ભાષાંતરની કામગીરી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના કૌશલનો વિકાસ કરી શકે તે માટે દરેક પ્રકારનું શિક્ષણ અપાશે. મહિનામાં 10 દિવસ બેગ વિના જ સ્કૂલમાં જવાનું રહેશે. 360 ડિગ્રી હોલિસ્ટિક કાર્ડ પણ બનાવવામાં આવશે.