આ ઘરગથ્થુ ઉપાયો અજમાવીને શરદી-ખાંસી મટાડી શકાય

હાલમાં અવારનવાર ઋતુઓમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. આ રીતે ઋતુમાં પરિવર્તન થતાં લોકોમાં પણ શરદી-ખાંસીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞના કહેવાનુસાર, બાળકો અને વૃદ્ધોમાં આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. આવા સમયે શરદી, ખાંસી કે ગળામાં ખારાશની તકલીફને થોડા ઘરેલુ ઉપાયોથી પણ દૂર કરી શકાય.
નાસ લેવાથી બંધ નાકમાં રાહત ઘણી રાહત મળશે આ સીઝનમાં નાક બંધ થવાની સમસ્યા સામાન્ય છે. આ માટે નાકમાં ફુદીનાનાં પાંદડાં કે અજમા સાથે નાસ લેવાથી લાભ થાય છે. એનાથી કફ છૂટો પડે છે ઉપરાંત નાક પણ ખુલી જાય છે અને સહેલાઈથી શ્વાસ લઈ શકાય છે. ગળામાં થતી ખારાશ અને દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
લવિંગ અને મધનું સેવન સૂકી ખાંસી અને ગળામાં દુખાવો ઓછો કરવા માટે લવિંગનું ચૂરણ અને મધ મિક્સ કરીને એનું સેવન કરવું જોઈએ. દિવસમાં બેથી ત્રણ વાર આ ઉપાય અજમાવવાથી રાહત મળશે.
મીઠાના પાણીના કોગળા ગળામાં દુખાવો અને ખારાશ દૂર કરવા માટે અને શરદીમાં આરામ મળે તે માટે મીઠાના પાણીના કોગળા કરવા જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળો. નવશેકું થઈ જાય પછી એના કોગળા કરો. દિવસમાં ત્રણથી ચાર વખતે કોગળા કરવાથી ખૂબ જ ફાયદો થશે.
તુલસીનો ઉકાળો તુલસી સૌથી વધુ એન્ટિવાઈરલ જડીબુટ્ટીઓમાંની એક છે. ચારથી પાંચ તુલસીનાં પત્તાંને થોડા પાણીમાં ઉકાળીને એ પાણી પીવું જોઈએ. તમે એ પાણીમાં મધ અને આદું પણ મિક્સ કરી શકો છો. તુલસીના ઉકાળામાં કાળા મરી, આદું, લવિંગ, તજ નાંખીને એનું સેવન કરવાથી પણ આ સમસ્યાઓમાં રાહત મળે છે.