અરુણાચલમાં ભારત અને ચીનની સેના વચ્ચે ફરી ઘર્ષણ, બન્ને પક્ષના 30 સૈનિકો ઘાયલ

15 જુન 2020ના દિવસે લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો જેમાં 20 ભારતીય જવાનો અને ચીનના ઘણા જવાનોના મોત થયા હતા. હવે અરુણાચલના તવાંગમા બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે બન્ને દેશના સૈનિકો વચ્ચે અત્યારે નહી પરંતુ 9 ડિસેમ્બરે થયું હતું જેની હવે જાણકારી સામે આવી છે.
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. આ ઘટનાની બંને તરફના સૈનિકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ ઘટના તવાંગ જિલ્લાના યાંગસ્ટેની છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટના 9 ડિસેમ્બર 2022ના રોજ બની હતી.
ચીનની સેના એલએસીએ પહોંચી જતા ભારતીય સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ
અહેવાલો અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી પર પહોંચી ગઈ હતી. ચીની સૈનિકોની આ હરકતનો ભારતીય સૈનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળી રહ્યા છે. આ અથડામણમાં સેનાના કેટલાક સૈનિકો બંને પક્ષે ઘાયલ થયા છે.
15 જૂન 2020ના દિવસે ગલવાન સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા
ચીન સરહદે 15 જૂન 2020ની ઘટના બાદ આ પ્રકારની આ પહેલી ઘટના છે. તે સમયે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. આ અથડામણમાં ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી પાસેના કેટલાક વિસ્તારોમાં બંને દેશના જવાનો પેટ્રોલિંગ કરીને સરહદની રખેવાળી કરી રહ્યાં છે અને આ દરમિયાન ઘણી વાર તેઓ એકબીજાની સામસામે આવી જાય છે.