ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે.
ચાઇના ડેઇલીના એક અહેવાલ મુજબ, બાળકના જન્મ પછી સરકાર સતત ત્રણ વર્ષ સુધી માતા-પિતાને વાર્ષિક 3,600 યુઆન (આશરે રૂ. 44,000) આપશે.
ચીનની 21% વસતિ 60 વર્ષથી વધુ ઉંમરની છે. ચીને લગભગ એક દાયકા પહેલા તેની વિવાદાસ્પદ "વન ચાઈલ્ડ પોલિસી"નો અંત લાવ્યો હતો, પરંતુ તેમ છતાં જન્મ દર ઘટી રહ્યો છે.
વિશ્વના મોટા દેશોમાં ચીનનો જન્મ દર સૌથી ઓછો છે અને તે સતત ઘટી રહ્યો છે. 2016માં ચીનમાં 18 મિલિયન બાળકોનો જન્મ થયો હતો. 2023માં આ સંખ્યા ઘટીને 9 મિલિયન થઈ ગઈ.
માત્ર 7 વર્ષમાં ચીનનો જન્મ દર 50% ઘટ્યો. 2024માં આ સંખ્યા થોડી વધીને 9.5 મિલિયન થઈ ગઈ, પરંતુ મૃત્યુ દર જન્મ દર કરતા વધી ગયો હોવાથી કુલ વસતિમાં ઘટાડો ચાલુ રહ્યો.
સરકાર દર વર્ષે એવા માતા-પિતાને રોકડ રકમ આપશે જેમના બાળકો ત્રણ વર્ષથી ઓછી ઉંમરના છે. આ યોજના 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. તેમાં એવા બાળકોનો પણ સમાવેશ થશે જેમની ઉંમર હાલમાં ત્રણ વર્ષથી ઓછી છે.