ચીને કહ્યું- અરુણાચલ અમારું, ભારતનો ગેરકાયદેસર કબજો
ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે. મંગળવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે ચીને ક્યારેય ભારતના ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી.
ચીનનું આ નિવેદન શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોક સાથે દુર્વ્યવહારના આરોપોના જવાબમાં આવ્યું છે. ચીને પેમ સાથે દુર્વ્યવહારના આરોપોને પણ નકારી કાઢ્યા છે.
ચીનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.
માઓએ જણાવ્યું હતું કે મહિલાને કોઈ બળજબરી, અટકાયત કે ઉત્પીડનનો ભોગ બનાવવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે એરલાઈને તેમને આરામ, પાણી અને ખોરાક પણ પૂરો પાડ્યો હતો.
યુકેમાં રહેતી ભારતીય પેમે આરોપ લગાવ્યો હતો કે ચીની અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો હતો કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશને તેમનું જન્મસ્થળ ગણાવવામાં આવ્યું હતું.