બોસ બનતાં જ ચંદા કોચરે ICICI બેન્કને ડૂબાડી દીધી, હવે કોર્ટે પતિ સાથે કર્યાં જેલભેગા, જાણો કૌભાંડ
વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને દીપક કોચરને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે (26 ડિસેમ્બર સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે અમે ચંદા કોચર અને દીપક કોચરને નોટિસ મોકલી હતી. આમ છતાં તપાસમાં કોઇ સહકાર મળ્યો ન હતો. સીબીઆઇએ કોર્ટ પાસે બંને આરોપીઓની પોલીસ કસ્ટડી માંગી હતી.

ચંદા કોચરે ચાર્જ સંભાળતાની સાથે જ વીડિયોકોનને આપી લોન
સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે વીડિયોકોનને લોન આપવાને કારણે ICICI બેંકને 1730 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સીબીઆઇનો આરોપ છે કે ચંદા કોચરે ICICI બેંકનું પદ સંભાળ્યા બાદ વીડિયોકોનની અલગ અલગ છ કંપનીઓને લોન આપી હતી.
વીડિયોકોને દીપક કોચરની કંપનીને આપી 64 કરોડની લોન
સીબીઆઈના વકીલે કહ્યું કે 2009માં વીડિયોકોન ગ્રુપે દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી.
શું છે સમગ્ર મામલો?
2018માં ICICI બેન્કના સીઈઓ અને એમડી બન્યાં બાદ ચંદા કોચરે વીડિયોકોન ગ્રુપને આંખો બંધ કરીને લોન આપવા લાગ્યાં હતા જે લોન વીડિયોકોન ગ્રુપ ન ચૂકવી શકતા તેને એનપીએ જાહેર કરી દેવાઈ હતી. નાણાકીય અનિયમિતતાનો આરોપસર ચંદા કોચરને ICICIના એમડી અને સીઈઓના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. વીડિયોકોન લોન ફ્રોડ મામલે ઈડીએ સપ્ટેમ્બર 2020માં દીપક કોચરની ધરપકડ કરી હતી.