રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર 4 ગોથા ખાઇ ગઈ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઉમિયા ચોકમાં આજે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે એક કાર પલટી મારી ચાર ગોથા ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા ચાલક પ્રતિક મનસુખભાઈ કરકર (ઉં.વ.30)ને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો રાજેશ દલસુખભાઈ વાઘેલા (ઉં.વ.24), શનિભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગોંડલ બર્થ ડે પાર્ટી પૂરી કરી ઘરે આવતા હતા
માલવિયા પોલીસ મથકના સ્ટાફને જાણ કરવામાં આવતા સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. ત્યાં પહોંચી મૃતક પ્રતીકભાઈના પરિવારનો સંપર્ક કરી જાણ કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. યુવાન પુત્રનો મૃતદેહ જોતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. મૃત્યુ પામનાર પ્રતીક કલરકામનો કોન્ટ્રાક્ટર હતો તે પરિણીત હતો. તે તેમના મિત્રો સહિત ચારેય વ્યક્તિ ગોંડલમાં મિત્રના પુત્રના બર્થ ડે પાર્ટીની ઉજવણી હોય તે પાર્ટી પૂરી કરી રાજકોટ પરત ફરતા હતા. ત્યારે ઉમિયા ચોક નજીક ચાલક પ્રતિકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એસેન્ટ કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી.

મૃતક બે ભાઈમાં મોટો હતો
પ્રતિક બે ભાઈમાં મોટો હતો. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. જ્યારે ઘવાયેલા રાજેશ વાઘેલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રાજેશને સારવારમાં લઇ આવેલા સાહિલે જણાવ્યું હતું કે, રાજેશ છૂટક મજૂરી કામ કરે છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ વનિતાબેન બોરીચાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.