શું હવેથી સરકારી કર્મચારીઓ નહીં ચલાવી શકે 15 વર્ષ જૂના વ્હીકલ્સ, જુઓ નાણામંત્રાલયે શું આપ્યો મોટો આદેશ
કેન્દ્રની મોદી સરકારે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ 15 વર્ષથી જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે નિર્ણય લીધો છે કે, દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા અને ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે, જે વાહનો 15 વર્ષથી વધુ જૂના છે અને હવે 'સર્વિસિંગ' માટે યોગ્ય નથી, આવા તમામ વાહનોને ભંગારમાં ફેરવી દેવા જોઈએ.
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે, દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે નીતિ આયોગ અને માર્ગ પરિવહન મંત્રાલયની સલાહ પર આ નિર્ણય લઈ રહ્યા છીએ. માર્ગ પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે, સરકારે 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવા પર વિચાર કરવો જોઈએ.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (પરિવહન વિભાગ)એ જૂના વાહનોના રજીસ્ટ્રેશનના નવીકરણના મામલે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 એપ્રિલ, 2022 પછી 15 વર્ષ જૂના કોઈપણ વાહનોને રિન્યૂ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમાં તમામ પ્રકારના સરકારી વાહનો જેવા કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, PSU અને મ્યુનિસિપલ બોર્ડ વગેરેના વાહનોનો સમાવેશ થાય છે. આ બાબતે માહિતી આપતાં રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ આદેશની માહિતી પહેલાથી જ આપી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં 'સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ પોલિસી' લાવવાની જાહેરાત કરી હતી. તેના દ્વારા સરકારે એવી યોજના બનાવી હતી કે, હવે કોઈપણ સરકારી વિભાગ 15 વર્ષથી જૂના વાહનનો ઉપયોગ નહીં કરે. બીજી તરફ સામાન્ય લોકો તેમના 20 વર્ષથી વધુ જૂના વ્યક્તિગત અને વ્યવસાયિક વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ સાથે વાહનના ઉપયોગના 15 વર્ષ પછી ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. તેના પરથી જાણી શકાશે કે વાહનની સ્થિતિ કેવી છે. આ સાથે જો આ ટેસ્ટમાં વાહન ફેલ થાય તો વાહન માલિકને ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ છે. આ સાથે વાહન જપ્ત કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે.