જોન્સન બેબી પાઉડરના વેચાણ પર બોમ્બે હાઇકોર્ટે લગાવ્યો પ્રતિબંધ, આપ્યા મોટા આદેશ
મુંબઇ: બોમ્બે ઉચ્ચ ન્યાયાલયે જોન્સન એન્ડ જોન્સનનાં બેબી પાઉડરનાં સેમ્પલની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે આ કંપનીને કોર્ટે એવું પણ કહ્યું છે કે કંપની આ પાઉડરની બનાવટ તો કરી શકશે પણ હાલમાં તેનું વેચાણ કરી શકશે નહીં.
વેંચાણને તરત જ બંધ કરવા આદેશ
15 સપ્ટેમ્બરનાં આદેશમાં લાયસેન્સ રદ કરવાનું અને 20 સપ્ટેમ્બરનાં આદેશમાં કંપનીનાં બેબી પાઉડરનાં ઉત્પાદન અને વેંચાણ તરત જ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધી પ્રશાસનનાં સંયુક્ત કમિશનર અને લાઇસન્સિંગ ઓથોરિટીએ જાહેર કર્યો હતો. ન્યાયમૂર્તિ એસ.વી.ગંગપુરવાલા અને ન્યાયમૂર્તિ એસ.જી.ડિગેની ખંડપીઠે બુધવારે FDAને નિર્દેશ કર્યો કે તે 3 દિવસની અંદર મુંબઇનાં મુલુંડ વિસ્તારમાં કંપનીનાં કારખાનાથી નવા સેમ્પલ લે.
3 પ્રયોગશાળામાં થશે પરિક્ષણ
નવા સેમ્પલ ભેગાં કર્યાં બાદ આ નમૂનાને 3 પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવશે. જેમાં 2 સરકારી અને 1 પ્રાઇવેટ પ્રયોગશાળા રહેશે. કોર્ટે કહ્યું કે સેમ્પલ કેન્દ્રીય દવા પરીક્ષણ પ્રયોગશાળા (પશ્ચિમ ક્ષેત્ર), FDA લેબ અને ઇન્ટર ટેક લેબોરેટરીને તપાસ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ આ પ્રયોગશાળાઓમાં એક સપ્તાહની અંદર પોતાની રિપોર્ટ આપવી પડશે.
ઉત્પાદન કરવાની મળી છૂટ
કંપની તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે માંગ કરી કે કોર્ટ ત્યાં સુધી કંપનીને ઉત્પાદન કરવાની છૂટ આપે. ત્યારે ખંડપીઠે કહ્યું કે અરજદારોને સરકારે બેબી પાઉડરનાં વેંચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે તેથી કંપનીએ આ આદેશનું પાલન કરવું પડશે. જો કંપની ઉત્પાદન કરવા ઇચ્છે છે તો તેને પોતાના જોખમ પર તેમ કરવાની છૂટ છે.